અમદાવાદ: શહેરમાં વધતા જતા ગુનાઓને કાબુમાં લેવા ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા વધતી ગુનાખોરી અટકાવવા ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
ટાસ્ક ફોર્સને લઈને દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. ગુન્હાખોરીને રોકવા, ક્રિમિનલ કેસ સોલ્વ કરવા અને નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અનેક એપ બનાવવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો AI થી ડેટા રાખવામાં આવ્યો છે. હવે કોઈ ઘટનાને ઉકેલવામાં પોલીસને પહેલા કરતા વધુ સરળતા થઇ શકે છે.
પોલીસની SHE ટીમને પણ સિનિયર સિટિઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. ટાસ્ક ફોર્સને લઇને શહેર પોલીસ દ્વારા સિનિયર સિટિઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવશે.
IPS અજય કુમાર ચૌધરી ટાસ્ક ફોર્સનું સુપરવિઝન કરશે
અમદાવાદ શહેર પોલીસના ઈન્ચાર્જ CP અજય કુમાર ચૌધરીએ Task Forceની રચના કરી છે. IPS અજય કુમાર ચૌધરી ટાસ્ક ફોર્સનું સુપરવિઝન કરશે.
DCP રવિ મોહન સૈનિક ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટાસ્ક ફોર્સમાં ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. દર 15 દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.