રાજકોટના ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહની ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે દેવલાલી ખાતે ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન ફાયરિંગ રેન્જમાં તેઓ વીરગતિ પામ્યા હતા. તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ દ્વારા જામકંડોરણા લાવવામાં આવ્યો હતો, જ્યાં જવાનોએ સલામી આપી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો હતો.
આજ રોજ વહેલી સવારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખ માંડવીયા, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા,જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયા, ભૂતપૂર્વ સૈનિકો અને ગામવાસીઓ સહિત અનેક મહાનુભાવોએ શહીદ ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહને
શ્રદ્ધાંજલિ આપી હતી
જામકંડોરણા રજપૂત સમાજ ખાતેથી નીકળેલી ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહની અંતિમયાત્રા બાદ શાસ્ત્રોકત વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો અને મિત્રોએ ગામના પનોતા પુત્રને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારે ઉપસ્થિત તમામની આંખો ભીની થઈ ગઈ હતી. અને વાતાવરણ “ભારત માતાકી જય”ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.